કેબિનેટ બેઠકમાં મોદી સરકારના 3 મોટા ખેડૂતલક્ષી નિર્ણય, બધા ખેડૂતોને મળશે 6000 રૂપિયા
કેન્દ્રની મોદી સરકારે પોતાની પહેલી જ કેબિનેટ બેઠકમાં ખેડૂતો માટે મોટો નિર્ણય લીધો. જે મુજબ હવે દેશના તમામ ખેડૂતોને વડાપ્રધાન ખેડૂત સન્માન નિધિનો લાભ મળશે.
નવી દિલ્હી: કેન્દ્રની મોદી સરકારે પોતાની પહેલી જ કેબિનેટ બેઠકમાં 3 મોટા નિર્ણય લીધા. જે મુજબ હવે દેશના તમામ ખેડૂતોને વડાપ્રધાન કિસાન સન્માન યોજનાનો લાભ મળશે. વડાપ્રધાન કિસાન સન્માન નિધિ યોજના હેઠળ અત્યાર સુધી ફક્ત લઘુ અને સીમાંત ખેડૂતોને જ આ યોજનાનો લાભ અપાતો હતો. પરંતુ હવે બધાને લાભ મળશે. આ યોજના હેઠળ 12 કરોડ ખેડૂતોને વાર્ષિક 6000 રૂપિયા આપવાના હતાં. ભાજપે પોતાના ચૂંટણી સંકલ્પ પત્રમાં આ યોજનામાં તમામ ખેડૂતોને સામેલ કરવાનું વચન આપ્યું હતું. જેના પર પહેલી કેબિનેટ બેઠકમાં મહોર લાગી. આ યોજનાથી હવે દેશના 14.5 કરોડ ખેડૂતોને સીધો લાભ મળશે. લોકસભા ચૂંટણી 2019 અગાઉ મોદી સરકારે ખેડૂતો માટે વાર્ષિક 6000 રૂપિયા ખાતામાં જમા કરાવવાની જાહેરાત કરી હતી. ચાર હજાર રૂપિયા બે હપ્તે દેશના 3 કરોડ જેટલા ખેડૂતોના ખાતામાં પહોંચી પણ ગયા હતાં.
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...